હઝરત ઇમામ હુસૈન (અ.સ.)નો કાતિલ આગની પેટીમાં હશે.
હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફક્ત મેદાને કયામતમાં ઇમામ હુસૈન(અ.સ.)ના કત્લનો મુકદ્દમો રજુ કરવાની અને તેની ફેસલાની વિશે જ નથી ફરમાવ્યુ, બલ્કે કાતિલના માટે બદતરીન અઝાબનો પણ ઝિક્ર કરેલ છે. અને આના વિશે પુષ્કળ રિવાયતો છે કે જેનો ઇન્કાર નથી થઇ શકતો. હઝરત ઇમામ અલી રેઝા(અ.સ.)એ પોતાના બાપદાદાઓથી રિવાયત નકલ કરી છે કે હઝરત અલી ઇબ્ને અબી તાલીબ(અ.સ.)એ ફરમાવ્યું:
હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યુ: ઇમામ હુસૈન(અ.સ.)નો કાતિલ આગની પેટીમાં હશે. જેના પર અડધી જહન્નમનો અઝાબ થશે. તેના બંને હાથો અને પગો આગની સાંકળોમાં બંધાયેલા હશે અને તે ઉંધા મોઢે આગમાં ઢસેડવામાં આવી રહ્યો હશે. ત્યાં સુધી કે તેને જહન્નમમાં સૌથી નીચેના તબક્કામાં નાખી દેવામાં આવશે. તેની બદબુ એટલી બધી ખરાબ હશે કે જહન્નમવાસીઓ અલ્લાહની બારગાહમાં તેની બદબુની ફરીયાદ કરશે. અને તે આ દર્દનાક અઝાબમાં હંમેશા રહેશે. જ્યારે પણ તેની ચામડી બળી જશે તો બીજી ચામડી આવી જશે, જેથી દર્દનાક અઝાબનો સ્વાદ ચાખતો રહે.
(મકતલુલ હુસૈન, ખ્વારઝમી ભાગ:ર પાના:૮૩)
ખતીબ ખ્વારઝમી ઉપરાંત અન્ય આઠ ઓલમાઓએ આ રિવાયત નકલ કરેલ છે.
આ રિવાયતથી સ્પષ્ટ જાહેર થાય છે કે ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલ માટે તૌબાનો બનાવ એ તેમના માનનારાઓની પોતાની શોધ છે. હકીકતથી આનો કોઇ સંબંધ નથી. કાતિલાને હુસૈન(અ.સ.)ના દર્દનાક અઝાબના વિશે બીજી પણ ઘણી રિવાયતો છે. જેમાં વિવિધ પ્રકારના અઝાબનું વર્ણન છે. ટુંકાણને ધ્યાનમાં રાખીને તેનું વર્ણન નથી કરતા.
કાતિલ કોણ?
અમુક લોકો ફક્ત એ લોકોને ઇમામ હુસૈન(અ.સ.)ના કત્લના જવાબદાર ગણે છે, જેઓ કરબલાના મેદાનમાં હાજર હતા. કારણકે યઝીદ(લા.અ.) કરબલાના મેદાનમાં હાજર ન હતો, આટલા માટે અમુક લોકો યઝીદને જવાબદારીથી મુક્ત ગણવા માંગે છે.
એ વાત ઘણીવાર બયાન થઇ ચુકી છે કે, શીઆ ઓલમાઓ ઉપરાંત એહલે સુન્નતના સૌથી વધુ ભરોસાપાત્ર ઓલમાઓ યઝીદ(લા.અ.)ને જવાબદાર ગણે છે. અહીં ટુંકાણને ધ્યાનમાં રાખી ફક્ત ૨(બે) વાતો વર્ણવીએ છીએ.
(૧) કુર્આને કરીમ સુરે બકરહની આયત નં. ૪૭ થી ૯૮ સુધી અલગ-અલગ રીતે યહુદીઓને સંબોધીને છે. આ સંબોધન મુખાતબ અને હાજરના સીગામાં છે. એટલે કે એ લોકોને મુખાતબ કરવામાં આવી રહ્યા છે જે તે સમયે ત્યાં હાજર છે. અને એ શું વાત કરવામાં આવે છે જે રસુલે ખુદા(સ.અ.વ.)ના સમયના યહુદીઓએ નથી કરી. દા.ત. જ્યારે અમે તમને ફિરઔનના અઝાબથી મુક્તી અપાવી (૪૯)
જ્યારે અમે તમારા માટે દરીયામાં રસ્તો બનાવ્યો (૫૦)
તમે વાછરડાની પુજા કરીને પોતાના ઉપર ઝુલ્મ કર્યો (૫૪)
પછી જ્યારે તમે મુસા(અ.સ.)ને કહ્યું: અમે તે સમય સુધી ઇમાન લાવીશુ નહીં, જ્યાં સુધી ખુદાને પોતાની આંખોથી જોઇ ન લઇએ. (૫૫)
પછી અમે તમારા પર વાદળોનો છાંયો કર્યો, અને મન્ના અને સલવા નાઝિલ કર્યા. (૫૭)
અને તમે આ કહ્યું કે, અમે એક પ્રકારના ખાણા પર સબ્ર નથી કરી શકતા. (૬૧)
પછી તમે શનિવારના બારામાં જે ઝુલ્મ કર્યો (૬૫)
અને જ્યારે તારી પાસે અલ્લાહની તરફથી રસુલ આવતા જેને તમે પસંદ નહોતા કરતા, તો અમુકને જુઠલાવતા, અને અમુકને કત્લ કરી દેતા હતા.(૮૭)
આ પ્રકારની ઘણી આયતો કુર્આને કરીમમાં છે. ખુદાએ તે લોકોને શા માટે સંબોધન કર્યુ? અને શા માટે તેમને ખુબજ ઠપકો આપ્યો? તેમના ઉપર લાઅનત અને મઝમ્મત કરી? જ્યારે કે પયગમ્બર(સ.અ.વ.)ના ઝમાનાના યહુદીઓ તેમના કામો માટે ડાયરેક્ટ પોતે જવાબદાર ન હતા, અને ન તો તેમણે પોતાની જાતને બેજવાબદાર ગણી.
કુર્આને કરીમે તેઓને એટલા માટે મુખાતબ કરાર દીધા, અને તેમને તમામ વાતોના જવાબદાર ગણાવ્યા, કારણકે આ લોકો તેમના બુઝુર્ગોની વાતોથી રાજી હતા. તેઓ તેમના બુરા કાર્યોથી દુરી જાહેર નહોતા કરતા, પરંતુ પોતાના બુઝુર્ગો પર ફખ્ર કરતા, અને તેમની પ્રણાલીકા પર બાકી હતા. માટે કુર્આને કરીમે આ કાનુન આપ્યો છે, અગર કોઇ શખ્સે કોઇ કાર્ય અંજામ આપ્યુ છે અને હવે કોઇ તેનાથી રાજી હોય તો, તે પણ તે કાર્ય કરનારાઓમાં ગણાશે. અને તેની ઉર પણ તેની જેમ લાઅનત અને મઝમ્મત કરવામાં આવશે.
(૨) યઝીદ જો કે કરબલાના મેદાનમાં હાજર ન હતો, પરંતુ ઈબ્ને ઝિયાદને કુફાનો ગવર્નર તેણે જ બનાવ્યો. આ સિવાય આ હકીકતનો કોણ ઈન્કાર કરી શકે છે કે યઝીદે(લા.અ.) શામના દરબારમાં એહલેબૈત (અ.મુ.સ.)ના કાફેલાને બોલાવ્યો, અને એહલેબૈત (અ.મુ.સ.) તેના દરબારમાં કૈદી બનીને ઉભા રહ્યા, અને ઈમામ હુસૈન(અ.સ.)નું સર તેની સામે રાખવામાં આવ્યુ હતું.
શું આ બાબત એ વાતની સ્પષ્ટ દલીલ નથી કે, યઝીદ ઈમામ હુસૈન(અ.સ.)ના કત્લ પર રાજી હતો? હવે જરા આ વાકેઆતને જુઓ, જે વાકેઆતને એહલે સુન્નતના ઓલમાઓએ પોતાની ઇતિહાસની કિતાબોમાં લખ્યા છે, કારણકે આ ઐતિહાસીક બનાવો છે, તેથી ઇતિહાસની કિતાબોમાં તેનું વર્ણન છે.
ઈબ્ને ઝિયાદે એહલે હરમને કુફામાં કૈદ કર્યા અને જે કૈદખાનામાં એહલે-હરમ કૈદ હતા, તેમાં એક પત્થર પર કાગળ લપેટીને તે કૈદખાનામાં મોકલાવ્યો, જેમાં આ પ્રમાણેનું લખાણ હતું.
તમારી બાબતને લગતો એક કાસીદ યઝીદ (લા.અ.)ની પાસે મોકલ્યો છે, તે ત્યાંથી શું ખબર લાવે છે? શામથી કાસીદ પાછો આવ્યો અને આ પૈગામ લાવ્યો. આલે હુસૈન(અ.સ.)ને શામ રવાના કરો.
(તબરી, ભાગ:૬ પાના:૨૬૬)
ઇબ્ને ઝિયાદે ઝુજર બિન કૈસ, અબા બુરદા ઈબ્ને ઔફ અરઝી, તારીક ઇબ્ને ઝુબિયાન અને કુફાના એક સમુહની સાથે ઇમામ હુસૈન(અ.સ.)અને તેમના સાથીઓના સરોને રવાના કરી દીધા.
(તબરી, ભાગ:૬ પાના:૨૬૪, ઈબ્ને અસીર, ભાગ:૪ પાના:૩૪, બિદાયા ભાગ:૮ પાના:૧૯૧)
અને આ સરોની સાથે અલી ઇબ્ને હુસૈન(અ.સ.)ને પણ એવી રીતે રવાના કર્યા કે તેમના હાથો ગરદનથી બાંધેલા હતા, અને તેમના એહલેહરમ તેમની સાથે હતા.
(તબરી, ભાગ:૬ પાના:૨૫૪)
“હાલત એવી હતી કે શરીરના રૂંવાડે રૂંવાડા ધ્રુજતા હતા,
(તારીખુલ કિરમાની, પાના:૧૦૮)
અને યાફુઇની મિરાતુલ જીનાનમાં આવી રીતે છે:
હુસૈન ઇબ્ને અલી(અ.સ.)ની દિકરીઓને કૈદી બનાવીને લઇ જવામાં આવી, અને ઇમામ ઝૈનુલ આબેદીન(અ.સ.) તેમની સાથે હતા. તેઓ તે સમયે બિમાર હતા. એવી રીતે લઇ જવામાં આવી રહ્યા હતા, જેવી રીતે કૈદી. જેણે આવું કર્યુ ખુદા તેને હલાક કરે.
(મિરઅતુલ જીનાન, ભાગ:૧ પાના:૧૩૪)
એહલેહરમનો આ કાફેલો પહેલી સફરના શામ પહોંચ્યો.
(તબરી, ભાગ:૬ પાના:૨૬૬)
તે સમયે યઝીદ ‘જરૂન’ નામની જગ્યાએ બેઠો હતો. જ્યારે તેણે કૈદીઓ અને ભાલાઓ પર સરો જોયા. તે સમયે એક કાગડો કાં કાં કરતો ત્યાંથી પસાર થયો. તે સમયે યઝીદે આ અશ્આર કહ્યા:
લમ્મા બદત તિલ્કલ હોમુલ વ અશ્રકત તિલ્કરરોઉસ અલા શફા જબ્રુન નઅબલ ગોરાબો ફકુલ્તો કુલ અવ લા તકુલ ફકદ્ ઇક તઝરતો મેનર રસુલે દયુની
“જુબ્રુનમાં જ્યારે તે સવારીઓ અને સરો દેખાયા, તે સમયે એક કાગડો કાં કાં કરવા લાગ્યો, મેં કહ્યું: તુ કંઇક કહે કે ન કહે, મેં તો રસુલુલ્લાહે(સ.અ.વ.)થી મારૂ કર્ઝ ચુકવી લીધુ.
આ શેરના આધારે ઇબ્ને જવ્ઝી, કાઝી અબુ યઅલી, તફ્તાઝાની અને જલાલુદ્દીન સિયુતીએ યઝીદને કુફ્ર અને તેની પર લાઅનત કરવાનો હુકમ દીધો છે.
(રૂહુલ મઆની, આલુસી ભાગ:૨૬ પાના: ૭૩)
આલુસીએ કહ્યું કે, યઝીદનું આ વાક્ય “મેં તો રસુલે ખુદા(સ.અ.વ.)થી પોતાનું કર્ઝ ચુકવી લીધુંઆનો મતલબ એ છે કે, જંગે બદ્રના મૌકા પર જેવી રીતે રસુલે ખુદા(સ.અ.વ.)એ મારા ખાનદાનના લોકોને કત્લ કર્યા હતા, મેં તેનો બદલો લઇ લીધો, અને આ તો બિલ્કુલ સ્પષ્ટ કુફ્ર છે.
શું આ વાતો એ વાતની સાબિતી માટે પુરતી નથી, કે યઝીદ ફક્ત ઈમામ હુસૈન(અ.સ.)ના કત્લ પર રાજી ન હતો, બલ્કે તેમના એહલે હરમને કૈદ અને તેમના સરોને ભાલાઓ પર ઉંચા જોઇને ખુશ પણ થઇ રહ્યો હતો. અગર યઝીદને ઇમામહુસૈન(અ.સ.)ના કત્લ ઉપર અફસોસ હોતે, તો શું આવી રીતે જશ્ન મનાવતે? આ પ્રકારના બનાવો ઘણા છે. ટુંકાણને ધ્યાનમાં રાખીને ટુંકમાં રજુ કરીએ છીએ.
એહલે હરમને યઝીદના દરબારમાં લાવવા પહેલા બધાને એક દોરડાથી બાંધવામાં આવ્યા. તેનો એક છેડો ઇમામ ઝૈનુલ આબેદીન(અ.સ.)ની ગરદનમાં બાંધેલો હતો. જાબે ઝૈનબ(સ.અ.), જાબે ઉમ્મે કુલસુમ(સ.અ.) અને રસુલે ખુદા(સ.અ.વ.)ની અન્ય દિકરીઓના ગળા પણ આવી રીતે દોરડામાં બાંધેલા હતા. જ્યારે આ લોકો ચાલતા ચાલતા ઉભા રહી જતા, તો તેમને મારવામાં આવતા. ત્યાં સુધી કે તેમને યઝીદની સામે હાજર કરવામાં આવ્યા. તે સમયે યઝીદ સિંહાસન પર બેઠો હતો.
તે સમયે અલી ઇબ્ને હુસૈન(અ.સ.)એ યઝીદ (લા.અ.)ને ઉદ્દેશીને ફરમાવ્યું:
અગર, રસુલે ખુદા(સ.અ.વ.) આ હાલતમાં અમને જોઇ લે, તો તારી શું હાલત થશે?
આ સાંભળીને હાજર રહેલ લોકો રોવા લાગ્યા. યઝીદે દોરડું કપાવવાનો હુકમ કર્યિે.
(લોહુફ, પાના:૧૦૧, તઝકેરતુલ ખવાસ, પાના:૪૯)
એહલે હરમને મસ્જીદના દરવાજે કૈદીઓની જેમ ઉભા રાખવામાં આવ્યા. અને ઇમામ હુસૈન(અ.સ.)ના સરે અકદસને યઝીદ(લઅ.)ની સામે રાખવામાં આવ્યું.
(મિરઅતુલ જીનાન, યાફુઇ, ભાગ:૧ પાના:૧૩૫)
યઝીદે ઇમામ હુસૈન(અ.સ.)નું સર મંગાવ્યું અને પોતાની સામે સોનાના થાળમાં રાખ્યુ.
(મિરઅતુલ જીનાન, યાફુઇ, ભાગ:૧ પાના:૧૩૫)
ઔરતો પાછળ ઉભી હતી, સકીના અને ફાતેમા વારંવાર સરે અકદસને જોવાની કોશીષ કરી રહી હતી. યઝીદ(લઅ.) તે છુપાવવા માંગતો હતો પરંતુ તેઓની નજર જ્યારે સરે અકદસ પર પડી તો રોવા લાગી.
(કામીલ ઇબ્ને અસીર, ભાગ:૪, પાના:૩૫ મજમઉઝ્ઝવાએદ, ભાગ:૯, પાના:૧૯૫)
લોકોને દરબારમાં આવવાની રજા આપવામાં આવી.
(કામીલ ઇબ્ને અસીર, ભાગ:૪, પાના:૩૫)
ઇતિહાસના આ વાક્યો ઉપર વિચારો અને દિલને સંભાળીને આ વાકેઓ સાંભળો:
“યઝીદ(લ.અ.)એ એક લાકડી લીધી અને ઇમામ હુસૈન(અ.સ.)ના હોઠો પર મારવાનું શરૂ કર્યુ.
(તબરી, ભાગ:૬, પાના:૨૬૭, કામીલ ઇબ્ને અસીર, ભાગ:૪, પાના:૩૫, સવાએકે મોહર્રકા, પાના:૧૧૬, મજમઉઝ્ઝવાએદ, ભાગ:૯, પાના:૧૯૫, બિદાયા ઇબ્ને કસીર, ભાગ:૮, પાના:૧૯૨)
શું આના પછી પણ યઝીદને ઇમામ હુસૈન(અ.સ.)ના કત્લથી મુક્ત કરી શકાય?
અગર ફક્ત આ બાબતને આધારે કે યઝીદ કરબલામાં હાજર નહોતો એટલે ઇમામ હુસૈન(અ.સ.)ના કત્લ માટે જવાબદાર નથી, એમ કહેવામાં આવે તો દુનિયાના તમામ ઝાલિમ બાદશાહો પણ પાક દામન ગણાશે. કારણકે મોટા ભાગના ઝાલિમ બાદશાહો સત્તાધિશોએ પોતાના હાથોથી સીધો ઝુલ્મ નથી કર્યો.
પરંતુ આખી દુનિયા અને દુનિયાના તમામ ઇન્સાફ પસંદ લોકો ઝાલિમ સત્તાધિશોની આ બુનિયાદ પર મઝમ્મત કરે છે, અને તેમની સામે મુકદ્દમો ચલાવે છે. તેમજ તમામ ઝુલ્મો માટે જવાબદાર ગણે છે. તેમના ઉપર લાનત મલામત કરે છે. કારણકે બધાજ ઝુલ્મો તેમની સામે થઇ રહ્યા હતા. તેમની મરજીથી થઇ રહ્યા હતા.
શામના બનાવો એ વાતની મજબુત સાબિતી છે કે કરબલામાં જે થયુ તે યઝીદની મરજીથી થયુ, અને યઝીદ તેનાથી રાઝી હતો. આ રીતે કોઇ પણ સ્વરૂપે યઝીદને જવાબદારીથી મુકત ગણી શકાતો નથી. બલ્કે ઇમામ હુસૈન(અ.સ.) અને તેમના વફાદાર સાથીઓના કત્લ અને એહલે હરમને કેદી બનાવવાનો મૂળ ગુેહગાર યઝીદ છે. અગર દુનિયામાં આ વાત સમજમાં ન આવે તો કયામતના મેદાનમાં આ વાત સ્પષ્ટ થઇ જશે. તે દિવસનો ઇન્તેઝાર કરો જે દિવસે કોઇ જાતનું બહાનું કબુલ કરવામાં નહી આવે.
અંતિમ વાત:
ઘણા લોકો એવા પણ છે, કે જેઓના દિલોમાં આજે પણ યઝીદ(લા.અ.)ના માટે કુણી લાગણી છે. તેઓ યઝીદને કરબલાના બનાવોની જવાબદારીમાંથી મુક્ત કરવાની નાકામ કોશિષ કરે છે. ક્યારેક કહે છે કે યઝીદ કરબલામાં હાજર નહોતો, એટલે કે સીધો શરીક નથી, અને ક્યારેક કહે છે કે યઝીદે તૌબા કરી લીધી. આથી હવે તેના પર લાનત કરવી ન જોઇએ. આ યઝીદના દોસ્તો(ખુદા તેઓને યઝીદની સાથે મહશૂર કરે)ને મારૂ બસ એટલું કહેવું છે કે:
(૧) હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ના ઇન્તેકાલ પછી વહીનો સિલસિલો કપાઇ ગયો. હવે તેઓને કોણે કહ્યું કે અલ્લાહે તૌબા કબુલ કરી લીધી. આ ખુદા તરફથી કોણે ખબર આપી. શું આ પ્રકારની વાતો એ હકીકતની તરફ ઇશારો નથી કરતી કે આ લોકો પણ પોતાના માટે એક પ્રકારની વહીના માનનારા છે. જ્યારે કે આ માન્યતા તમામ મિલ્લતે ઇસ્લામીયાથી વિરૂધ્ધ છે.
(ર) ઇતિહાસની ભરોસાપાત્ર કિતાબોએ જેવી રીતે યઝીદને કરબલાના બનાવ માટે જવાબદાર ગણ્યો છે, તેવી રીતે શું યઝીદની તૌબા પણ વર્ણવી છે?
(૩) અગર કરબલાના બનાવો પર યઝીદ શરમીંદો હોતે, અને સાચા દિલથી તૌબા કરી હોતે, તો હરગીઝ હરગીઝ મક્કાએ મોકર્રમા અને મદીનએ મુનવ્વરા પર હુમલો ન કરતે. મક્કા અને મદીના પર યઝીદી ફૌજના હુમલાઓ શું આ વાત નથી દશર્વિતા કે યઝીદ ફક્ત ઇમામ હુસૈન(અ.સ.) અને તેમના એહલે હરમને શહીદ કરવા નહોતો માંગતો, પરંતુ ખુદા અને રસુલનું નામ નિશાન પણ મિટાવી દેવા ચાહતો હતો. શું તેને મુસલમાન કહી શકાય?
(૪) આ બાબતો ઉપરાંત હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની એ અનેક હદીસોને કેવી રીતે નજર અંદાઝ કરી શકાય જેમાં કાતિલને જહન્નમી કરાર દીધો છે. મોમીનના કાતિલને મુશ્રીક અને કાફીરની બરાબર ગણવામાં આવે છે. અને આ કહેવામાં આવ્યુ છે, કે જેવી રીતે શિર્કનો ગુનાહ માફ નથી થઇ શક્તો, તેવી જ રીતે મોમીનને કત્લ કરવું પણ માફ નથી થઇ શક્તું. તેમજ કાતિલથી પણ વધારે કત્લનો હુકમ દેનાર વધારે અઝાબનો હકદાર છે.
હદીસો જોઇએ:
(અ) હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું: કુલ્લો ઝમ્બીન અસલ્ લાહો અ્ યગ્ફેર ઇલ્લા મન માત મુશ્રેકન અવ કતલ મોઅમેનન મોતઅમ્મેદન
“ખુદાવંદે આલમ તમામ ગુનાહોને માફ કરી શકે છે સિવાય એ શખ્સને હરગીઝ માફ નહી કરે, જે દુનિયામાંથી મુશ્રીક ગયો હોય અથવા જેણે જાણીબુજીને મોઅમીનને કત્લ કર્યો હોય
(કનઝુલ ઉમ્માલ, ભાગ:૧૫, પાના:૨૦, હદીસ:૩૯૮૮૯)
આ હદીસમાં મોઅમીનના કત્લને શિર્કની બરાબર ગણવામાં આવ્યુ છે એટલે કે જેવી રીતે મુશ્રીકની બખ્શીસ નહી થાય તેવી રીતે કાતિલની પણ નહી થાય.
(બ) જહન્નમની આગના ૭૦ (સિત્તેર) હિસ્સા કરવામાં આવ્યા છે, જેમાંથી ૬૯ હિસ્સા તેના માટે છે, જે મોઅમીનને કત્લનો હુકમ આપે અને એક હિસ્સો તેના માટે છે, જે તેના હુકમ પર અમલ કરીને કત્લ કરે.
ઇતિહાસના બનાવ આ વાતની સાક્ષી પુરે છે કે યઝીદ(લ.અ.)એ ઇમામ હુસૈન(અ.સ.)ના કત્લનો હુકમ દીધો હતો.
(ક) અગર કોઇ શખ્સ કોઇ મોઅમીનના કત્લ માટે એક ‘શબ્દ’ થી પણ મદદ કરે તો તે કયામતના દિવસે ખુદાથી એવી હાલતમાં મુલાકાત કરશે કે તેના કપાળ પર લખેલુ હશે.
“આયેસુન મીન રહમતીલ્લાહે
“આ અલ્લાહની રેહમતથી માયુસ છે.
(કનઝુલ ઉમ્માલ, ભાગ:૧૫, પાના:૨૨, હદીસ:૩૯૮૯૫)
(ડ) અગર તમામ જમીન અને આસમાનના લોકો કોઇ એક મોઅમીનના કત્લમાં શરીક થાય તો ખુદા તે સૌને ઉંધા મોઢે જહન્નમમાં નાખી દેશે.
(કનઝુલ ઉમ્માલ, ભાગ:૧૫, પાના:૨૨, હદીસ:૩૯૮૯૩)
શું યઝીદ(લ.અ.) ઇમામ હુસૈન(અ.સ.)ના કત્લમાં શરીક ન હતો? તેઓ કે જેઓ યઝીદ(લ.અ.)ની તૌબાની વાત કરે છે, તેઓ જરા ઠંડા દિલથી આ હદીસો પર ચિંતન મનન કરે. તેઓ યઝીદની તૌબાની વાર્તા ઘડીને હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ને જુઠલાવવાનો બદતરીન ગુનાહ ન કરે.
(ઇ) “અબલ્લાહો અય્યજ્અલ લેકાતેલિલ મોઅમેને તુબતન
“ખુદા એ વાતથી હરગીઝ રાઝી નથી કે તે મોઅમીનના કાતિલની તૌબા કબુલ કરે.
(કનઝુલ ઉમ્માલ, ભાગ:૧૫, પાના:૨૨, હદીસ:૩૯૮૯૨)
(ફ) મેં ખુદાવંદને પુછ્યું: શું મોઅમીનના કાતિલની તૌબા કબુલ થશે. ખુદાએ ફરમાવ્યું: હરગીઝ નહી.
(કનઝુલ ઉમ્માલ, ભાગ:૧૫, પાના:૨૨, હદીસ:૩૯૯૨૦)
(ગ) મેં ખુદાથી દરખાસ્ત કરી કે તે મોઅમીનના કાતિલની તૌબા કબુલ કરી લે.
ખુદાએ મોઅમીનના કાતિલની તૌબા કબુલ કરવાનો ઇન્કાર કરી દીધો.
(કનઝુલ ઉમ્માલ, ભાગ:૧૫, પાના:૨૨, હદીસ:૩૯૯૧૯)
આ પ્રકારની ઘણીબધી હદીસો છે. શું આ સ્પષ્ટ હદીસો પછી પણ યઝીદ(લઅ.)ની તૌબાની શક્યતા બાકી રહે છે? હરગીઝ નહી, હરગીઝ નહી.
બસ માત્ર અમુક દિવસોની વાત છે, આ લોકો નજીકમાંજ કયામતના દિવસે પોતાની આંખોથી જોઇ લેશે કે યઝીદ(મલઉન) જહન્નમમાં કેવી રીતે અઝાબમાં મુબતલા હશે. એ કેટલુ સારૂ થાય કે યઝીદ(લઅ.)ની તરફેણ કરનારાઓ જહન્નમમાં તેમના યઝીદ(લઅ.)ની સાથે હોય.
Comments (0)