હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની અઝમત અને યઝીદ(લા.)

ખુદાવંદે આલમે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ને માત્ર પોતાના રસુલ બનાવીને નથી મોકલ્યા, બલ્કે તેમના તમામ કથનો અને કાર્યોની પણ જવાબદારી લીધી. તેમની દરેક વાત ખુદાની વાત છે અને તેમનું દરેક કાર્ય ખુદાનું મનપસંદ કાર્ય છે, બલ્કે ખુદાનુ કાર્ય છે. સુરએ મુબારક અન્નજ્મની આયત નંબર ૩ અને ૪ માં ઇરશાદ છે કે:

“વ મા યન્તેકો અનિલ હવા ઇન હોવ ઇલ્લા વહયુન યુહા

તે પોતાની ખ્વાહિશાતથી કોઇ વાત નથી કરતા તેઓ તો બસ વાત કરે છે જે તેમના તરફ વહી કરવામાં આવે છે.’’

આ જ રીતે સુ. અન્ફાલની આયત નંબર ૧૪ માં ઇરશાદ છે.

“વ મા રમય્ત ઇઝ રમય્ત વલાકીન્નલ્લાહ રમા

જ્યારે આપે તીર ચલાવ્યુ તો તે આપે તીર નથી ચલાવ્યુ, પરંતુ અલ્લાહે તીર ચલાવ્યુ છે.

આ રીતે ખુદાવંદે આલમે પૈગમ્બર અકરમ(સ.)ના કથન અને અમલને પોતાના કથન અને કાર્ય કરાર દીધુ, એનું જરૂરી પરિણામ એ છે કે સુ. નિસા આ. નં. ૮૦ માં ઇરશાદ છે કે:

“મન્ યોતીઈર્ રસૂલ ફકદ્ અતાઅલ્લાહ

જેણે રસુલ(.)ની ઇતાઅત કરી તેણે અલ્લાહની ઇતાઅત કરી

સુ. જીન આ. નં. ૩૩ માં ઇરશાદ છે કે:

“વ મન્ યઅ્સીલ્લાહ વ રસૂલહૂ ફ ઇન્ન લહૂ નાર જહન્નમ ખાલેદીન ફીહા અબદા

“જે અલ્લાહ અને તેના રસુલ (સ.)ની નાફરમાની કરશે તેના માટે જહન્નમની આગ છે અને તે તેમાં હંમેશા માટે રહેશે

આની સાથોસાથ કુરઆને મજીદમાં આ પણ ઇરશાદ થયું:

“વ મા આતાકોમુર્ રસૂલો ફ ખોઝૂહો વ મા નહાકુમ અન્હો ફન્તહૂ

અને અલ્લાહના રસુલ(.) જે કાંઇ તમને આપે તે લઇ લ્યો અને જે બાબતની મનાઇ કરે તેનાથી દૂર રહો

(સુ. હશ્ર આ. નં. ૭)

આ આયતોને અને આના જેવી બીજી આયતોને નજર સમક્ષ રાખીને દરેક વ્યક્તિની સમજમાં આ વાત આવે છે કે હઝરત રસુલે ખુદા(સ.)ની કોઇ પણ વાત પોતાની અને જઝબાતી નથી.

વ્યક્તિગત મોહબ્બત અને સંબંધની વાત નથી, બલ્કે આપની દરેક વાત ખુદા તરફથી છે. આપની ઝબાને મુબારકમાંથી નીકળેલ દરેક શબ્દ ખુદાવંદે આલમની મરઝીનું ભાષાંતર છે.

હઝરત રસુલે ખુદા(સ.)ની શખ્સીય્યત સંપૂર્ણ રીતે ઇલાહી શખ્સીય્યત છે. એટલે કે આપ(સ.)ની પવિત્ર ઝાતમાં ખુદાવંદે આલમની જમાલી અને જલાલી સિફતો સંપૂર્ણ રીતે ઝાહીર થાય છે.

આ બાબતોને ધ્યાનમાં રાખીને આ હદીસ પર વિચાર કરીએ.

યઅલી બીન મરાઅની રિવાયત છે: એક જગ્યાએ અમારી સૌની દાવત હતી. અમે સૌ રસુલે ખુદા(સ.)ની સાથે જઇ રહ્યા હતા. રસ્તામાં ઇમામ હુસૈન(અ.સ.)ને જોયા. રસુલે ખુદા(સ.અ.વ.) અમારાથી આગળ દોડતા દોડતા ગયા અને પોતાના હાથોને ફેલાવી દીધા, બાળક આમથી આમ જઇ રહ્યુ હતું. આ જોઇને હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) હસી રહ્યા હતા. ત્યાં સુધી કે આપ(સ.)એ તે બાળકને તેડી લીધુ. આપ(સ.)એ પોતાનો એક હાથ બાળકની દાઢી પર અને બીજો હાથ બાળકના માથા પર રાખ્યો અને તેમને ગળે લગાડ્યા, ત્યાર પછી હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું:

“હુસય્નુમ્ મિન્ની વ અના મેનલ હુસયન

અહબ્બલ્લાહો મન અહબ્બ હુસયના

અલ હુસય્નો સિબ્તુમ મેનલ અસ્બાતે

હુસૈન(.) મારાથી છે અને હું હુસૈન(.)થી છુ. જે હુસૈન(.)થી મોહબ્બત કરશે, ખુદા તેને દોસ્ત રાખશે. હુસૈન(.) મારા નવાસાઓમાંથી એક નવાસા છે.

આ હદીસની સનદ મજબુત છે. આ હદીસને સહીહ બુખારીના લેખક જનાબ હાફિઝ મોહમ્મદ ઇબ્ને ઇસ્માઇલ બુખારીએ પોતાની કિતાબ ‘અલ અદબુલ મુફરદ’ના પાના નં. ૧૦૦ પર નકલ કરેલ છે. આ સિવાય ઇમામ એહમદ બીન હમ્બલે પોતાની મુસ્નદ ભાગ-૨ પાના નં. ૧૭૨, હાફિઝ ઇબ્ને માજાએ પોતાની સોનન ભાગ:૧ પાના:૬૪, હાફિઝ મોહમ્મદ બીન ઇસા તીરમીઝીએ પોતાની સહીહ ભાગ:૧૩ પાના:૧૯૫ પર નકલ કરેલ છે. આ ઉપરાંત ૬૦ જુદા-જુદા ઓલમા અને મોહદ્દેસીને પોતાની કિતાબોમાં આ રિવાયત નકલ કરેલ છે. આ તમામ હવાલા એહલેસુન્નતની કિતાબોમાંથી છે આમાં સોનને ઇબ્ને માજા સહીહ તીરમીઝીનો શુમાર સીહાહે સીત્તામાં થાય છે આ કારણે આ હદીસ સહીહ હોવામાં જરાયે શક નથી કરી શકાતો.

હદીસના આ શબ્દો “હુસય્નુમ મિન્ની વ અના મેનલ હુસય્ન પર વિચાર કરવાથી સ્પષ્ટ થાય છે કે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) અને ઇમામ હુસૈન(અ.સ.)ની શખ્સીય્યતને એક બીજાથી અલગ નથી કરી શકાતી. એક જ શખ્સીય્યતના બે શીર્ષક છે. આ ‘મિન્નીયત’ ત્યારે જ શક્ય છે જ્યારે ઇમામ હુસૈન(અ.સ.) માઅસુમ હોય, તેમની ઝીંદગીનું દરેક કાર્ય પરવરદિગારની મરઝી મુજબ હોય, ઝીંદગીની એક પળ પણ ખુદાની મરઝીની વિરૂધ્ધ ન હોય, તેમની ઝીંદગીનું દરેક પગલુ ખુદાની ખુશી પ્રમાણે હોય. આ હદીસની રોશનીમાં રિસાલત અને નબુવ્વત સિવાય તે તમામ બાબતો જે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ના માટે સાબિત છે, તે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની ઝાતે અકદસથી મખ્સુસ છે. જેવી રીતે આપ હઝરત(સ.અ.વ.)નો એહતેરામ અને ઇતાઅત વાજીબ છે. બસ એ જ રીતે ઇમામ હુસૈન(અ.સ.)નો એહતેરામ અને ઇતાઅત વાજીબ છે અને લાઝીમ છે અને અગર આપ(સ.અ.વ.)ની નાફરમાની જાએઝ નથી, તો પછી ઇમામ હુસૈન(અ.સ.)ની નાફરમાની પણ જાએઝ નથી.

હદીસનો બીજો હીસ્સો “અહબ્બલ્લાહો મન અહબ્બ હુસય્ના એ હકીકત તરફ ઇશારો કરે છે કે ઇમામ હુસૈન(અ.સ.)ની ઝીંદગીમાં કોઇ પણ બાબત એવી નથી કે જે ખુદાને પસંદ ન હોય. ઇમામ હુસૈન(અ.સ.)ની મોહબ્બત ખુદાની મોહબ્બતનું કારણ ત્યારે જ બનશે જ્યારે ઇમામ હુસૈન(અ.સ.)નું દરેક કામ પરવરદિગારની મરઝી પ્રમાણેનું હોય. અગર ઇમામ હુસૈન(અ.સ.)ની મોહબ્બત ખુદાની મોહબ્બતનો સબબ છે, તો હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના બારામાં સહેજેય નફરત કે દુશ્મની ખુદાના ગઝબનું કારણ બનશે. ખુદાને નારાજ કરવો ઇસ્લામની પ્રકૃતિ નથી. અગર કોઇ શખ્સ જાણીબુજીને ખુદાને નારાજ કરશે તો તે સખ્ત અઝાબનો હકદાર થશે. આ હદીસે શરીફની રોશનીમાં હઝરત ઇમામ હુસૈન(અ.સ.)નું દરેક કામ ખુદાનું પસંદીદા છે. જ્યારે ઇમામ હુસૈન(અ.સ.)નું દરેક કામ ખુદાનું પસંદીદા છે, તો આપના વિરોધી યઝીદનું દરેક કામ ખુદાને નાપસંદ છે અને ખુદાને જે વ્યક્તિ નાપસંદ હોય તે ‘રઝેયલ્લાહો અન્હો’ નથી થઇ શક્તો.

વાતને આગળ વધારીએ એ પહેલા હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના બારામાં અમુક વધુ હદીસો વર્ણવીએ છીએ. આ તમામ હદીસો એહલે સુન્નતના ઓલમાઓની કિતાબોથી વર્ણવીએ છીએ.

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું:

“અલ્લાહુમ્મ ઇન્ની ઓહિબ્બોહુ ફ અહિબ્બહુ વ ઓહિબ્બો મન યોહિબ્બોહુ

ખુદાયા હું તેને ચાહુ છુ તું પણ તેને ચાહ અને જે તેને ચાહે છે હું તેને ચાહુ છું.

(માઅરેફતે ઓલુમીલ હદીસ, હાકિમ નિશાપૂરી, પા: ૮૯)

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ને જોઇને ફરમાવ્યું:

“મન અહબ્બ હાઝા ફકદ અહબ્બની

જેણે આને મોહબ્બત કરી તેણે મને મોહબ્બત કરી

(મોઅજમે કબીર, તબરાની, પા: ૧૩૩, મજમઉઝ્ઝવાએદ, ભાગ:૯ પા:૧૮૫)

જ. જાબીર(અ.ર.)ની રિવાયત છે કે અમે લોકો હઝરત રસુલે અકરમ(સ.અ.વ.)ની ખિદમતે અકદસમાં હાજર હતા. એવામાં ઇમામ હુસૈન(અ.સ.) તશરીફ લાવ્યા. આપ(સ.)તે સમયે તરસ્યા હતા. આં હઝરત(સ.)એ પાણી તલબ કર્યુ. જો કે તે સમયેે પાણી ત્યાં હતુ નહી. આં હઝરત(સ.અ.વ.)એ પોતાની જીભ મુબારક આપ(અ.સ.)ના મોઢામાં આપી જેનાથી આપ(અ.સ.) સૈરાબ થઇ ગયા.

(મકતલુલ હુસૈન, ખ્વારજમી, પા: ૧૫૨૭)

એક દિવસ હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) આએશાના ઘરેથી નીકળીને હઝરત ફાતેમા ઝહરા(સ.અ.)ના ઘરે તશરીફ લાવી રહ્યા હતા. એવામાં ઇમામ હુસૈન(અ.સ.)ના રડવાનો અવાજ આવ્યો. તે સમયે આં હઝરત(સ.અ.વ.)એ ફરમાવ્યું:

“અલમ તઅલમી અન્ન બુકાઅહુ યુઅ્ઝીની!

શું તમને નથી ખબર કે તેના રોવાથી મને અઝીય્યત પહોંચે છે.

(મજ્મઉઝ્ઝવાએદ, ભાગ:૯, પા: ૨૦૧, મોઅજમે કબીર, પા: ૧૪૬)

હૌઝયફા બીન યમાનની રિવાયત છે કે મેં હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ને જોયા કે તેઓ હઝરત હુસૈન ઇબ્ને અલી(અ.સ.)નો હાથ પકડીને કહી રહ્યા છે:

અય્યોહન્નાસ! હુસૈન ઇબ્ને અલી(..) છે. તેમની મારેફત હાંસિલ કરો અને તેમને બીજાઓ પર ફઝીલત (અગ્રતા) આપો. ખુદાની નઝદીક તેમના જદ્નો દરજ્જો યુસુફ બીન યાકુબ(.)ના જદ્ના દરજ્જા કરતા વધારે ઉચ્ચ છે. હુસૈન ઇબ્ને અલી(..) છે. તેમના જદ્ પણ જન્નતમાં છે અને તેમના દાદી અને નાની પણ જન્નતમાં છે. તેમના પિતા પણ જન્નતમાં છે અને તેમની માતા પણ જન્નતમાં છે. તેમના કાકા પણ જન્નતમાં છે અને તેમની ફુઇ પણ જન્નતમાં છે. ……તેમના ભાઇ પણ જન્નતમાં છે અને તેઓ ખુદ પણ જન્નતમાં છે. તેમના ચાહવાવાળા પણ જન્નતમાં હશે અને તેમના ચાહવાવાળાઓના ચાહવાવાળા પણ જન્નતમાં હશે.

(મનાકીબ ઇબ્ને મોગાઝલી, પા:૨૧૪, યનાબીઉલ મવદ્દત પા:૨૭૮)

જે હુસૈન(અ.સ.)ના બારામાં હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ આવી હદીસો બયાન કરી હોય તો શું તેના વિષે આવો વિચાર પણ કરી શકાય કે તેમણે દુનિયા માટે અથવા દુનિયાની હુકુમત માટે કયામ કર્યો હોય, જ્યારે કે ખુદાવંદે આલમ કુર્આને મજીદમાં ફિરઔન અને કારૂનનો ઝિક્ર અને તેઓના પરિણામનો ઝિક્ર કર્યા બાદ ઇરશાદ ફરમાવે છે:

“તિલ્કદ્દારૂલ આખેરતો નજ્અલોહા લીલ્લઝીન ઓલુવ્વન ફીલ અરઝે વલા ફસાદન વલ આકેબતો લીલ મુત્તકીન

(કસસ : ૮૩)

આખેરતનું ઘર અને અમે લોકો માટે મુકર્રર કરીએ છીએ જેઓ ઝમીન પર જરાક પણ ઉચ્ચતાનો ઇરાદો નથી કરતા અને તો ફસાદ ફેલાવવાનો ઇરાદો રાખે છે, અને સારૂ પરિણામ મુત્તકીઓ માટે છે.

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની સર્વસ્વીકૃત હદીસ છે:

ઇમામ હસન(અ.સ.) અને ઇમામ હુસૈન(અ.સ.) જન્નતના જવાનોના સરદાર છે.

જન્નતની સરદારી એ લોકોને મળશે જે દુનિયામાં કોઇપણ જાતની બરતરી કે ફસાદના ઇચ્છુક ન હોય, અગર ઇમામ હુસૈન(અ.સ.) યઝીદના વિરોધમાં ફકત ખુદાના દીનની જીંદગી માટે ન નિકળ્યા હોતે, શરીઅતની હિફાઝત કરવી એ તેમનો હેતુ ન હોતે, બલ્કે તેમનો મકસદ દુનિયા હોતે તો  હરગીઝ જન્નતના જવાનોના સરદારનો મરતબો ન મળતે. આ મહાન મન્સબ દશર્વિે છે કે ઇમામ હુસૈન (અ.સ.)ના કયામનો હેતુ હરગીઝ દુનિયા અને તેની હુકુમત ન હતો. આવી વાતો તો ફકત એવા લોકો કહી શકે કે જેઓને હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની રતીભાર પણ માઅરેફત નથી.

હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત કોઇ આકસ્મિક બનાવ ન હતો, કે અચાનક થઇ ગયો, કે જેથી લોકો યઝીદને એમ કહીને જવાબદારીઓથી મુક્ત કરી દે કે તેને પરિસ્થિતિની જાણ ન હતી ……. નહીંતર આ બનાવ વાકેઅ ન થતે.

હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત એક એવો બનાવ છે કે જેની ખબર હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ આપી હતી અને વારંવાર તેને દોહરાવી હતી, ન ફક્ત શહાદતની ખબર બલ્કે શહાદતને લગતા બનાવોની વિગતની પણ જાણકારી આપેલ, જેમ કે કાતિલનું નામ અને તેના પરિણામથી સુમાહિતગાર કર્યા. નીચે ટૂંકાણમાં અમુક રિવાયતોનું વર્ણન કરીએ છીએ

સ્વપ્નમાં ખબર આપવી:

જ. ઉમ્મે સલમાની રિવાયત છે:

એક રાત્રે હઝરતરસુલે ખુદા(સ.અ.વ.) આરામ કરી રહ્યા હતા. આપ ઉંઘમાંથી જાગી ગયા. તે સમયે આપ પરેશાન હતા, પછી આપ સુઇ ગયા. થોડી વાર પછી ફરી જાગ્યા તે સમયે પણ આપ ખુબજ હેરાન અને પરેશાન દેખાઇ રહ્યા હતા. ફરી આપ સુઇ ગયા. પરંતુ થોડી વાર પછી ફરી જાગી ગયા. તે સમયે આપના મુબારક હાથમાં લાલ રંગની માટી હતી. આપ તેને ચુમી રહ્યા હતા. મેં આં હઝરત(સ.અ.વ.)ને પુછ્યું: “અય અલ્લાહના રસુલ(સ.અ.વ.) આ માટી કેવી છે?

આપ(સ.અ.વ.)એ ફરમાવ્યું:

“જીબ્રઇલ(અ.સ.)એ મને ખબર આપી છે, આ ઇરાકની તે ઝમીન છે જ્યાં હુસૈન(અ.સ.)ને કત્લ કરવામાં આવશે. મેં જીબ્રઇલ(અ.સ.)ને કહ્યુ, મને તે માટી દેખાડો જ્યાં મારા આ હુસૈન(અ.સ.)ને કત્લ કરવામાં આવશે, બસ આ તે જ માટી છે.

(મુસ્તદરક, હાકીમ નિશાપુરી, ભાગ: ૪, પા:૩૯૮)

જાણે હઝરતરસુલે ખુદા(સ.અ.વ.)ને ખ્વાબમાં આ બનાવની ખબર દેવામાં આવી. આ બનાવ એવો મહત્વનો છે કે એક સાથે વર્ણન થઇ શકતું નથી.

જનાબે ઉમ્મે સલમાના ઘરમાં ખબર આપી:

જનાબે ઉમ્મે સલમાની રિવાયત છે કે:

હઝરતરસુલે ખુદા(સ.અ.વ.) મારા ઘરમાં તશરીફ ફરમાવી રહ્યા હતા અને હુસૈન(અ.સ.) મારી પાસે હતા, તે આં હઝરત(સ.અ.વ.)ની પાસે જવા ઇચ્છતા હતા. મેં ખોળામાં લીધા તેથી તે રોવા લાગ્યા, તો મેં છોડી દીધા, પછી આં હઝરત(સ.અ.વ.)ની પાસે જવા લાગ્યા, મેં ફરીથી ખોળામાં લીધા તો રોવા લાગ્યા, મે ફરીથી છોડી દીધા. તે સમયે જીબ્રઇલ(અ.સ)એ આં હઝરત(સ.અ.વ.)ને કહ્યું: “અય મોહમ્મદ(સ.અ.વ.)! શું તમે તેમને ચાહો છો? ફરમાવ્યું: “હાં. કહ્યું: “નઝદીકમાં જ આપની ઉમ્મત તેને કત્લ કરશે, અગર આપ ચાહો તો આપને તે માટી બતાવુ જ્યાં તેમને કત્લ કરવામાં આવશે. જીબ્રઇલ(અ.સ.)એ હાથ લંબાવીને તે માટી બતાવી જેના લીધે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) રડવા લાગ્યા.

(અકદુલ ફરીદ, ભાગ:૨ પા:૨૧૯)

આ હદીસમાં શહાદતની ખબર સાથો સાથ આ વાત પણ નઝર સમક્ષ આવે છે કે ખાકે કરબલાને જોઇને રોવું સુન્નતે રસુલ છે.

જ્યારે આ માટી ખુન થઇ જાય:

જનાબે ઉમ્મે સલમાથી રિવાયત છે કે મેં જોયું હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના સરે અકદસ પર મોહબ્બતથી હાથ ફેરવતા હતા અને રોઇ રહ્યા હતા. મેં રડવાનું કારણ પુછ્યું તો ફરમાવ્યું, “જીબ્રઇલે મને ખબર આપી છે કે મારો આ ફરઝંદ તે ઝમીન પર કત્લ થશે જેનું નામ કરબલા છે.

તેના પછી આં હઝરત(સ.અ.વ.)એ મને મુઠ્ઠીમાં લાલ રંગની માટી આપી અને ફરમાવ્યું: “આ એ ઝમીનની માટી છે જ્યાં હુસૈન(અ.સ.) કત્લ થશે. જ્યારે આ માટી ખુન થઇ જાય તો સમજી લેજો કે તે કત્લ કરી દેવામાં આવ્યા છે. મેં આ માટી એક બોટલ-શીશીમાં રાખી લીધી અને પછી ફરમાવ્યું: “જે દિવસે આ માટી ખુનમાં બદલાય જાય તે દિવસ ખુબજ મોટો દિવસ હશે.

(ઝખાએરૂલ ઉક્બા, પા:૧૪૭, યનાબીઉલ મવદ્દત, પા:૩૧૯)

જનાબે ઉમ્મે સલમા મદીનામાં હતા અને ઇમામ હુસૈન(અ.સ.)ને કરબલામાં શહીદ કરવામાં આવ્યા, પરંતુ આશુરાના દિવસે તે માટીનું ખુનમાં બદલાઇ જવું આ વાત તરફ ઇશારો કરે છે કે ઇમામ હુસૈન(અ.સ.)ના ગમની અસરો ક્યાં સુધી પહોંચી છે અને કંઇ રીતે શહાદતની ખબર પહોંચી છે. આગળ આ પ્રકારની એક રિવાયતનો ઉલ્લેખ કરીશું.

કાતિલ પર લાનત થાય:

જનાબે ઇબ્ને અબ્બાસથી રિવાયત છે:

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) પોતાના ઇન્તેકાલના અમુક દિવસો અગાઉ એક સફર પર ગયા હતા. અમુક દિવસો પછી જ્યારે પાછા ફર્યા તો તેમના પવિત્ર ચહેરાનો રંગ બદલાયેલો હતો. આપનો મુબારક ચહેરો લાલ થઇ રહ્યો હતો. આપ (સ.અ.વ.)એ તે સમયે ટુંકો પણ બલીગ ખુત્બો ઇરશાદ ફરમાવ્યો. તે સમયે આપની બન્ને આંખોમાંથી આંસુ જારી હતા. આપ(સ.અ.વ.)ની ઝબાન મુબારક પર આ વાક્યો હતા.

“અય લોકો! યકીનન હું તમારી વચ્ચે બે અમુલ્ય ચીજો છોડી રહ્યો છું, અલ્લાહની કિતાબ અને મારી ઇત્રત…….

ત્યાં સુધી કે આપે ફરમાવ્યું:

હાં, થોડો વિચાર કરો, ચોક્કસ જીબ્રઇલ(..) મને ખબર આપી છે કે મારી ઉમ્મત મારા ફરઝંદ હુસૈન(..)ને કરબલાની ઝમીન ઉપર કત્લ કરશે.

તેમના કાતિલ ઉપર ખુદાની લાનત થાય અને હંમેશા ઝીલ્લતરૂસવાઇ નસીબ થાય.

(મકતલે ખ્વારઝમી, ભાગ:૧, પા:૧૬૪)

કરબલાની ઝમીન દેખાડી:

જનાબે ઇબ્ને અબ્બાસની રિવાયત છે કે હઝરત ઇમામ હુસૈન(અ.સ.) રસુલે ખુદા(સ.અ.વ.) પાસે બેઠા હતા. જ.જીબ્રઇલ(અ.સ.)એ હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ને પુછ્યું- “શું આપ આમને ચાહો છો? હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું:

હું આને કેમ ચાહુ, તો મારા દિલનો ટુકડો છે

તે સમયે જીબ્રઇલ(અ.સ.)એ ફરમાવ્યું: “હાં, તમારી ઉમ્મત તેમને કત્લ કરશે- શું હું તમને તેમની કબ્રની જગ્યા ન બતાવું? જીબ્રઇલ(અ.સ.)એ એક મુઠ્ઠી માટી ઉપાડી, આ લાલ રંગની માટી હતી.

(અલ બદાયા વન નહાયા-ઇબ્ને કસીર, ભાગ:૬, પા:૨૩૦)

હિજરી સન ૬૦ માં શહાદત થશે:

જનાબે ઉમ્મે સલમાની રિવાયત છે:

આં હઝરત(સ.અ.વ.)એ ફરમાવ્યું: “હુસૈન ઇબ્ને અલી (અ.સ.) મારી હીજરતના ૬૦ માં વર્ષની શરૂઆતમાં કત્લ કરવામાં આવશે.

(મજમઉઝ ઝવાએદ, ભાગ:૯, પા:૧૯૦)

કાતિલ યઝીદ છે:

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું:

ખુદા કયારેય પણ યઝીદને બરકત આપે. તેના લીધે મને હુસૈન(..)ના કત્લની ખબર મળી છે અને મને કાતિલના બારામાં ખબર આપવામાં આવી છે. જે લોકોની સામે જંગ થશે અને જે લોકો તેની નુસરત અને મદદ નહી કરે તેઓ ઉપર અલ્લાહનો અઝાબ થશે.

(મુન્તખબ ક્ધઝુલ ઉમ્માલ,મુસ્નદે એહમદના હાશિયા પર, ભાગ:૫, પા:૧૧૧)

એક અન્ય રિવાયતમાં છે:

જે લોકો મદદ નહી કરે તો ખુદા તેઓની છાતી અને દિલોમાં મતભેદ નાખી દેશે અને ખરાબમાં ખરાબ લોકોને તેના પર મુસલ્લત કરી દેશે

જનાબે આએશાની રિવાયત:

ઉરવાહ ઇબ્ને ઝુબૈરે જનાબે આએશાથી રિવાયત નકલ કરી છે:

હુસૈન ઇબ્ને અલી(અ.સ.) હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની ખીદમતમાં હાજર થયા. તે સમયે આપ(સ.અ.વ.) પર વહી નાઝીલ થઇ રહી હતી. ઇમામ હુસૈન(અ.સ.) તે સમયે રસુલે ખુદા(સ.અ.વ.)ની પીઠ પર રમી રહ્યા હતા. જીબ્રઇલ(અ.સ.)એ પુછ્યું: “શુ આપ હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ને મોહબ્બત કરો છો? ફરમાવ્યું: “અય જીબ્રઇલ શુ હું મારા ફરઝંદને મોહબ્બત નહિ કરૂ? જીબ્રઇલે કહયું: “તમારા પછી તમારી ઉમ્મત તેને કત્લ કરશે. પછી જીબ્રઇલે હાથ લંબાવીને સફેદ માટી આપી અને કહયું: “આ જમીન ઉપર આપનો આ ફરઝંદ કત્લ કરવામાં  આવશે અને આ ઝમીનનું નામ તુફ છે. (કરબલાનુ એક અન્ય નામ તુફ છે.)

જ્યારે જીબ્રઇલ આપ(સ.અ.વ.)ની ખીદમતે અકદસ માંથી ચાલ્યા ગયા તો રસુલે ખુદા(સ.અ.વ.) ઘરથી બહાર ગયા અને આપના મુબારક હાથમાં તે માટી હતી અને આપ રોઇ રહયા હતા.

આપ(સ.અ.વ.)એ ફરમાવ્યુ: “અય આએશા જીબ્રઇલ(અ.સ.) એ મને ખબર આપી છે કે મારો ફરઝંદ તુફની ઝમીનમાં શહીદ કરવામાં આવશે- મારા પછી મારી ઉમ્મતનું મોટુ ઇમ્તેહાન લેવાશે. જ્યારે રસુલે ખુદા(સ.અ.વ.) અસ્હાબની પાસે આવ્યા તો અસ્હાબોએ પુછ્યું : “યા રસુલલ્લાહ(સ.અ.વ.) કઇ બાબતે આપને રડાવ્યા? આપ(સ.અ.વ.)એ ફરમાવ્યું: “જીબ્રઇલે મને ખબર આપી છે કે મારા પછી મારા ફરઝંદ હુસૈન(અ.સ.)ને તુફની જમીન પર કત્લ કરવામાં આવશે અને મને આ માટી આપી છે. ત્યાં જ તેની કબ્ર થશે.

(મોઅજમે કબીર, તબરાની, પાના:૧૪૪)

ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતની ખબર ફક્ત જ.ઉમ્મે સલમા, ઇબ્ને અબ્બાસ અને જ.આએશાથી જ નક્લ થઇ એવુ નથી. બલ્કે આ પ્રકારની હદીસો હઝરત અલી(અ.સ.), અનસ બિન હારીસ, મઆઝ બિન જબલ, અબી અમામા, ઝયનબ બિન્તે જહશ, ઉમ્મુલ ફઝલ બિન્તે હારીસ, અનસ બિન માલીક વિગેરેથી પણ નક્લ થઇ છે. જે લોકો આ બારામાં વિગતવાર અભ્યાસના ઇચ્છુક હોય તેઓ કિતાબ એહકાકુલ હકક ભાગ:૨ નો અભ્યાસ કરી શકે છે.

આ હદીસો પર એક નજર કરવાથી એ વાત સ્પષ્ટ થઇ જાય છે કે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ પોતાની જીંદગીમાં અનેક વખત અને અનેક જગ્યાએ તેમજ અલગ-અલગ લોકોની સામે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતની ખબર આપી. ફક્ત ખબર જ આપી એવુ ન હતુ બલ્કે તે જમીન બતાવી, તે જમીન પર કત્લ થવાની જગ્યા બતાવી અને મકતલની માટી પણ બતાવી, ત્યાં સુધી કે તે માટીની હિફાઝત કરવાનો હુકમ પણ આપ્યો.

કત્લની તારીખ પણ બતાવી અને કાતિલનું નામ પણ બતાવ્યુ. વાકેઓ જ્યારે બયાન કર્યો ત્યારે આપ(સ.અ.વ.) રોયા પણ અને રડી રડીને વાકેઓ બયાન કર્યો. શહાદતની પહેલા આં હઝરત(સ.અ.વ.)ની આ હાલત હતી, તો શહાદત પછી તેમની હાલત શું હશે? આ બારામાં જ.ઉમ્મે સલમા અને જ.ઇબ્ને અબ્બાસની રિવાયત જોઇએ.

અલ્લામા મોહમ્મદ બિન ઇસા તિરમિઝીએ પોતાની સહીહમાં સલમાથી રિવાયત કરી છે કે “હું જનાબે ઉમ્મે સલમાની ખીદમતમાં હાજર થઇ અને જોયુ કે તેઓ રડી રહ્યા છે. મેં રોવાનુ કારણ પુછ્યું તો ફરમાવ્યું: “મેં રસુલે ખુદા(સ.અ.વ.)ને ખ્વાબમાં જોયા. આપના સરે અકદસ અને દાઢી મુબારક પર ખાક હતી. મેં અરજ કરી: “અય અલ્લાહના રસુલ(સ.અ.વ.) આપના શું હાલ છે? આપ(સ.અ.વ.)એ ફરમાવ્યું: “હું હમણા જ હુસૈન(અ.સ.) ની શહાદત જોઇને આવ્યો છું.

(સહીહ તિરમિઝી, ભાગ: ૧૩, પાના: ૧૯૩)

આ રિવાયતને તિરમિઝી સિવાયના ૨૬ લોકોએ નક્લ કરી છે.

(એહકાકુલ હકક, ભાગ:૧૧ પાના: ૩૫૫ થી ૩૫૯)

જનાબે ઇબ્ને અબ્બાસથી રિવાયત છે:

મેં રસુલે ખુદા(સ.અ.વ.)ને બપોરના સમયે ખ્વાબમાં જોયા, તેઓ ઉભા હતા અને તેઓના માથા અને ચહેરા પર ધુળ હતી. તેમના હાથમાં એક શીશી હતી જેમાં લોહી હતુ.

મેં પુછ્યું: “અય અલ્લાહના રસુલ(સ.અ.વ.) મારા મા-બાપ આપ પર કુરબાન થાય આપની આ શું હાલત છે?

ફરમાવ્યું: “આ હુસૈન(અ.સ.) અને તેમના અસ્હાબનું ખુન છે, આજ સવારથી હું આ ખુન જમા કરી રહ્યો છુ.

જનાબે ઇબ્ને અબ્બાસનું બયાન છે કે: જ્યારે અમે ગણતરી કરી તો તે દિવસ ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતનો દિવસ હતો.

(મુસ્નદે એહમદ, ભાગ: ૧, પાના: ૨૮૩)

આ મહત્વની અને ભરોસાપાત્ર રિવાયતો પરથી એ વાત સ્પષ્ટ થાય છે કે ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતના સમયે ખુદ રસુલે ખુદા(સ.અ.વ.) કરબલાના મેદાનમાં હાજર હતા. ફક્ત શહાદતું દ્રશ્ય નહોતો જોતા બલ્કે તેનાથી એટલા બધા અસર પામેલા હતા કે આપ(સ.અ.વ.) સંપૂર્ણ રીતે ધુળ-ખાકથી આલુદા હતા. એટલે કે કાયદેસર જંગમાં ઇમામ હુસૈન(અ.સ.)ની સાથે હતા અને પોતાના મુબારક હાથોથી તેમના પવિત્ર ખુનના ટીપાઓને જમા કરી રહ્યા હતા.

એક અન્ય રિવાયતમાં હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું:

અય ઇબ્ને અબ્બાસ! શું તમને ખબર છે મારી ઉમ્મતે મારા પછી શું કર્યુ? હુસૈન(..)ને કત્લ કરી દીધા. હુસૈન(..) અને તેના અસ્હાબોનું ખુન છે, હું તેને ખુદાની બારગાહમાં પેશ કરીશ.

(અલ બદાયા  વન નહાયા, ભાગ:૮, પાના:૨૦૦)

જે ખુનને હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) પોતાના મુબારક હાથોથી ભેગુ કરીને ખુદાની બારગાહમાં પેશ કરે તે ખુન કેટલુ બધુ અમુલ્ય હશે? અને જે લોકોએ આ ખુન વહાવ્યું હોય તો શું કોઇ મુસલમાન તેવા લોકોથી હમદર્દી રાખી શકે છે?

શું ઇતિહાસમાં બીજો કોઇ એવો વાકેઓ છે કે જેમાં હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ શહીદોનું ખુન ભેગુ કર્યુ હોય? પરંતુ કરબલાના મેદાનમાં હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)નું ઇમામ હુસૈન(અ.સ.) અને તેના અસ્હાબોનું ખુન ભેગુ કરવું શું એ વાતની અલામત નથી કે તેમની શહાદત તમામ શહાદતોથી અફઝલ છે અને કરબલાના શહીદો તમામ શહીદોથી અફઝલ છે.

આ સિવાય શું હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) કોઇ એવા શખ્સનું ખુન જમા કરી શકે અને તેની શહાદત પર આવી રીતે ગમઝદા થઇ શકે જે મઆઝલ્લાહ મઆઝલ્લાહ હુકુમત હાંસિલ કરવા માટે નીકળ્યા હોય? નહીં હરગીઝ નહી. આ વાત ફક્ત એ લોકો કરી શકે છે જે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની માઅરેફત  અને અઝમતથી બિલકુલ વંચિત હોય.

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)નું મેદાને કરબલામાં હાજર રહેવુ અને ઇમામ હુસૈન(અ.સ.) અને તેના બાવફા અસ્હાબોનું ખુન ભેગુ કરવુ શું એ વાતની દલીલ નથી કે શહાદતનું એક એક ટીપુ ખુદાની રાહમાં પડેલુ છે. આ શહાદત ફક્ત અને ફક્ત અલ્લાહના માટે હતી. હવે અગર કોઇ આ અઝીમ શહાદતને ફક્ત અલ્લાહ માટે ન માને તો તેનાથી શહાદતની મહાનતા પર કોઇ અસર નથી પડતી. બલ્કે આ વાત ખુદ તેની બદનસીબી અને દુર્ભાગ્યની દલીલ છે.

આ વાત ખ્યાલમાં રહે કે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)નું આ ગમઝદા હોવુ તે ઇમામ હુસૈન(અ.સ.)નું તેમા નવાસા હોવાના કારણે ન હતુ, એટલે કે આ ઇન્સાની તકાઝો ન હતો બલ્કે તે અઝમતના કારણે હતું જે ઇમામ હુસૈન(અ.સ.) અને તેમની શહાદતને ખુદાની બારગાહમાં હાંસિલ હતી.

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) ખુદાની બારગાહમાં:

અલ્લામા ખ્વારઝમીએ પોતાની કિતાબ ‘મકતલુલ હુસૈન’ ભાગ: ૧ પાના: ૧૭૩ પર આ રિવાયત લખેલી છે:

મોઆવીયાએ યઝીદ(લઅ.)ને વસીય્યત કરી કે ઇબ્ને અબ્બાસે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની આ રિવાયત મને બયાન કરી:

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની વફાતના સમયે હું તેમની ખિદમતમાં હાજર હતો. આ તેમની જીંદગીની અંતિમ પળો હતી, તેઓએ ઇમામ હુસૈન(અ.સ.)ને પોતાની છાતીએ લગાવેલા હતા અને ફરમાવી રહ્યા હતા.

મારી નસ્લમાં બેહતરીન અને સૌથી પાકીઝા અને મારી ઇઝ્ઝતમાં સૌથી નેક તેમજ મારી ઝુર્રીયતમાં સૌથી બેહતરીન હસ્તી છે, જે મારા પછી હુસૈન(..)ની કદ્ર કરે ખુદા તેને બરકત આપે

ઇબ્ને અબ્બાસે કહ્યું: ત્યાર પછી આં હઝરત(સ.અ.વ.) બેહોશ થઇ ગયા અને પછી થોડીવાર પછી હોશમાં આવ્યા અને ફરમાવ્યું:

“અય હુસૈન(અ.સ.), કયામતના દિવસે ખુદાની બારગાહમાં તારા કાતિલનો મુકદ્દમો થશે અને આ મુકદ્દમો હું રજુ કરીશ, હું તેના પર રાઝી છું કે કયામતના દિવસે  ખુદા મને તારા કાતિલની સામે ઉભો કરશે

ત્યાર પછી મુઆવીયાએ યઝીદને કહ્યું: અય મારા ફરઝંદ, આ તો ઇબ્ને અબ્બાસની રિવાયત હતી, હું પોતે એક રિવાયત બયાન કરૂ છું જે મેં પોતે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)થી સાંભળી છે.

આપ હઝરત(સ.અ.વ.)એ ફરમાવ્યું:

એક દિવસ મારા દોસ્ત જીબ્રઇલ મારી પાસે આવ્યા અને કેહવા લાગ્યા, અય મોહમ્મદ(...) આપની ઉમ્મત આપના ફરઝંદને કત્લ કરશે અને તેમનો કાતિલ ઉમ્મતનો સૌથી વધુ લઅનતી છે. અને હઝરત રસુલે ખુદા(...) વારંવાર હુસૈન(..)ના કાતિલ પર લઅનત કરી છે.

મોઆવીયાનુ પોતાના દીકરા યઝીદ(લઅ.)ને આ બે હદીસો સંભળાવવી ન જાણે કઇ બાબતના કારણે હતુ શું તે યઝીદ (લઅ.)ને હઝરત હુસેન (અ.સ.)ના કત્લ થી રોકવાનો હતો કે પછી ફઝાએલ બયાન કરીને ઇર્ષાની આગ વધારે સળગાવવા માંગતો હતો.

જનાબે ઝહરા(સ.અ.) ખુદાની બારગાહમાં

હઝરત અલી ઇબ્ને અબી તાલીબ(અ.સ.)એ હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)થી આ રિવાયત નકલ કરી છે.

મારી દીકરી ફાતેમા(..) કયામતના દિવસે એવી રીતે આવશે કે તેના હાથોમાં લોહીવાળુ પહેરણ હશે અને તે અર્શના પાયાને પકડીને ફરીયાદ કરશે, અય અદ્લના માલિક મારા અને મારા ફરઝંદના કાતિલ વચ્ચે ફેંસલો કર. હઝરત રસુલે ખુદા(...) ફરમાવ્યું: કાબાના રબની કસમ ખુદાવંદે આલમ મારી દીકરીનાં હકમાં ફેંસલો કરશે.

(મક્તલુલ હુસૈન(અ.સ.), ખ્વારઝમી, પાના:૫૨)

યનાબીઉલ મવદ્દતના લેખક અલ્લામા કુન્દુઝીએ એક રિવાયત આ પ્રમાણે નકલ કરી છે.

હઝરત અલી(અ.સ.)એ રસુલે ખુદા(સ.અ.વ.)ની રિવાયત નકલ કરી છે કે,

કયામતના દિવસે એક મુનાદી અર્શની નીચેથી અવાજ આપશે, “અય કયામતના લોકો પોતાની આંખો બંધ કરી દયો, જેથી ફાતેમા બિન્તે મોહમ્મદ(સ.અ.) હુસૈન(અ.સ.)નુ ખુન ભર્યુ પહેરણ લઇને પસાર થઇ જાય તે અર્શના પાયા પાસે તશરીફ લાવશે અને ફરમાવશે “ખુદાયા તુ જબ્બાર છો અને ઇન્સાફનો માલિક છો. મારા અને મારા ફરઝંદના કાતિલની વચ્ચે ફેંસલો કરી દે. કાબાના રબની કસમ ખુદા મારી દીકરીના હકમાં ફેંસલો કરશે

તેના પછી જાબે ફાતેમા ઝહરા(..) ફરમાવશે: “ખુદાયા! જે લોકો મારા હુસૈન(..)ની મુસીબતો પર રડ્યા છે, તેમના હકમાં મારી શફાઅત કબુલ કર ખુદા તેઓના હકમાં તેમની શફાઅત કબુલ કરશે.

(યનાબીઉલ મવદ્દત, પાના:૨૬૦)

આ રિવાયતોથી માલુમ થાય છે કે મૈદાને કયામતમાં હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) અને જાબે ફાતેમા ઝહરા(સ.અ.) ખુદાવંદે આદિલની બારગાહમાં ઇમામ હુસૈન(અ.સ.)નાં કત્લનો મુકદ્દમોં પેશ કરશે. જ્યારે દાવેદાર આવી હસ્તીઓ હોય તો પછી કાતિલનો અંજામ જાણીતો છે. આ રિવાયત એ વાતની મજબુત દલીલ છે કે તે તમામ લોકો જે ઇમામ હુસૈન(અ.સ.)ના કત્લમાં શામિલ હતા તેઓને સર્વપ્રથમ તો તૌબાની તૌફીક નસીબ નહી થાય. અને તેમના કાતિલો સાથે હમદર્દી રાખવાવાળાની વાત માની પણ લઇએ, જેની ધારણા અશક્ય છે તો પણ તેમની તૌબા અલ્લાહની બારગાહમાં હરગીઝ કબુલ નથી.

આ સિવાય ઇમામ હુસૈન(અ.સ.)નુ કત્લ હુકુકુન્નાસમાં આવે છે અને ઇમામ હુસૈન(અ.સ.)નાં વલી અને બદલો લેનાર હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) અને ફાતેમા ઝહરા(સ.અ.) અને તેમના અન્ય ફરઝંદો છે.તેઓએ કાતિલને હરગીઝ માફ નથી કર્યા. નહીંતર મેદાને કયામતમાં બારગાહે ખુદાવંદીમાં મુકદ્દમો રજુ કરવાની શું જરૂરત હતી?

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *