કોઇપણ કૌમ અને કબીલામાં યુવાનોને કૌમના પ્રતિનિધિ ગણવામાં આવે છે. કૌમની આશાઓ પણ તેઓની સાથે બંધાએલી હોય છે તેઓ જ કૌમના ભાવિનું ઘડતર કરે છે, તેઓજ કૌમ અને મઝહબની આંખો, દીવા અને ભવિષ્ય હોય છે. તેની સૌથી ઉત્તમ દલીલ આજના નવયુવાનો છે. આજે સમગ્ર દુનિયામાં આપખુદીનો જમાનો છે. જે મનમાં આવે તે કરી નાખે છે એટલેકે પોતાની ઇચ્છાઓ ઉપર જ અમલ કરે છે. આજના યુવાનોનો શ્રેષ્ઠ ધંધો કિંમતી સમયને નકામી ચીઝોમાં વેડફી નાખવાનો છે. આજના યુગમાં દ્રષ્ટાંતરૂપ યુવાન તેને કહેવામાં આવે છે જે નાણાં કમાવાનું મશીન હોય અને આ તુચ્છ દુનિયા સંબંધિત પ્રાથમિક જાણકારી ધરાવતો હોય. આજે સમગ્ર દુનિયાના યુવાનોની પ્રાથમિકતા મોજશોખ અને એશોઆરામનું જીવન તથા વધુમા વધુ ખ્વાહીશો પૂરી કરવી છે. આજના યુવાનો માટે અખ્લાકી મુલ્યો, ઇન્સાનિય્યતની સીફાતો, રૂહાની શાંતિ, અલ્લાહની નજદિકી તથા તેની ઇતાઅત, ઇલાહી નિશાનીઓનું સન્માન જાળવવું, સગાઓ સાથે સારો વ્યવહાર કરવો, વડીલોનું સન્માન જાળવવું અને ર્માં-બાપની તાબેદારી કરવી વિગેરે બાબતોને જુનવાણી ગણવામાં આવે છે. ન્યાય સમજ અને જ્ઞાન ધરાવતા ઇન્સાનો આવા યુવાનો પાસેથી શું આશા રાખી શકે? શું તે કહી શકે છે કે ભવિષ્યમાં ઇન્સાનને સંપૂર્ણ ઇન્સાન બનાવવાની જવાબદારી આવા લોકો અદા કરી શકશે? અગર સમાજની પ્રગતિની જવાબદારી તેઓને સોંપવામાં આવે તો શું તેઓ એક ટકો પણ પોતાની જવાબદારી સંંભાળવાની લાયકાત ધરાવે છે? અગર એમ નથી તો આવા સંજોગોમાં દર્દમંદ દીલ ધરાવતા ઇન્સાનોએ તેઓને સુધારવા માટે એવો ક્યો રસ્તો અપનાવ્યો છે જેનું સો ટકા સાચું પરિણામ આવે શકે?
Read More